વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવું…
આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં
ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં
કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં?
રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં
વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવું
તોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં
લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં
તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં
પ્રેમની સિતાર જ્યાં મલ્હારતી સૂનકારમાં
એક દરિયો આંખમાં છલકાય છે વરસાદમાં
એક છત્તર હોય તોયે કેમ એ આઘા રહ્યા ?
કોરી કોરી આ ક્ષણો વરતાય છે વરસાદમાં
ચોતરફ વરસાદ બસ, વરસાદ મૂશળધાર ને
બેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં
-પ્રજ્ઞા વશી